નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને 7 વર્ષની સજાનું એલાન કરવામાં આવ્યું છે. ચૈતરના પત્ની શકુંતલા વસાવા સહિત તમામ આરોપીઓને કેદ તેમજ કોર્ટ 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ત્યારે જોઈએ આ સમગ્ર કેસ શું હતો અને ક્યારે બન્યો હતો.
શું છે સમગ્ર મામલો?
સમગ્ર મામલે સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદે વાવેતર દૂર કર્યું હતું. આ બાબતને લઈ ચૈતર વસાવાએ વનકર્મીઓને ચૈતર વસાવાના ઘરે બોલાવ્યા હતા અને ધાક-ધમકી આપી હવામાં ગોળીબાર કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ સમગ્ર મામલે મંગળવારે નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટ ચુકાદો આપતા ચૈતર વસાવા સહિત કુલ નવ લોકોને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ચૈતરને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ખસેડાયા
મહત્વનું છે કે વડોદરાની સેન્ટ્રલ જેલમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય 9 આરોપીઓને ખસેડાયા છે. ચૈતર વસાવા તેમની પત્ની સહિતના આરોપીઓને વડોદરાની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઉપરાંત ચૈતર વસાવાને જેલમાં 90,888 કેદી નંબર ફાળવી દેવામાં આવ્યો છે છે.
શું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જઈ શકે છે ?
ધારાસભ્ય ચૈતર વસાવાના ધારાસભ્ય પદને મહત્વની માહિતી સામે આવી છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ ચૈતર વસાવાના ધારાસભ્ય પદ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે,” 2 વર્ષથી વધુ સજા બાદ ધારાસભ્યનું પદ રદ ગણાય છે. કાયદાની જોગવાઈ પ્રમાણે ધારાસભ્ય પદ ગણાય નહીં. આગામી 6 વર્ષ સુધી ચૂંટણી પણ લડી શકશે નહીં. જો ચુકાદા પર ઉપલી કોર્ટ સ્ટે આપે તો MLA પદ સચવાશે બાકી ધારાસભ્યનું પદ પણ ગુમાવી શકે છે.
ચૈતર વસાવાની ધરપકડ મુદ્દે કેજરીવાલનું નિવેદન
તો બીજી તરફ આપ અને કોંગ્રેસના નેતાઓએ નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટના ચુકાદાનો વિરોધ પણ કર્યો હતો. ચૈતર વસાવાની સજા પર કેજરીવાલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,ચૈતર વસાવાને ફસાવવા EDનું ષડયંત્ર છે. ED કંઈ ન બગાડી શકે તો ષડયંત્ર રચવામાં આવ્યું છે. ચૈતર વસાવા સામે ખોટા કેસ કરી સજા સંભળાવી દેવામાં આવી છે. આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા વધતા ભાજપને ગમ્યું નથી તેમ જણાવ્યું હતું.

