તાપી જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે મકાઈની થેલીઓની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ રૂ.12.64 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નવાપુર તરફથી એક બોલેરો પીકઅપમાં મકાઈની થેલીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે માંડળ ટોલનાકા પાસે રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળું બોલેરો પીકઅપ વાહન નંબર MP-11-ZL-6338 ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં વાહનમાં મકાઈની ખરાબ થેલીઓ ભરેલી હોવાનું જણાયું હતું. જોકે, થેલીઓની નીચે તપાસ કરતાં પ્લાસ્ટિકના બોક્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 1,152 બીયરના ટીન કબજે કર્યા હતા, જેની કિંમત રૂ.1.44 લાખ હોવાનું સામે આવ્યું છે. દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી બોલેરો પીકઅપની કિંમત રૂ.5 લાખ અને પાયલોટિંગ માટે ઉપયોગમાં લેવાયેલી મારુતિ સુઝુકી અર્ટિગા કારની કિંમત રૂ.6 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ ઉપરાંત પોલીસે ચાર મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. આમ, દારૂ, બંને વાહનો અને મોબાઈલ સહિત કુલ રૂ.12.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે આ કેસમાં મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના અજય મયારામ પરમાર, સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં રહેતા વિવેકકુમાર હસમુખભાઈ ચૌધરી, તાતીથૈયા ખાતે રહેતા જીતેન્દ્ર સિપાહીલાલ યાદવ અને અંગત જગદીશ યાદવની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65E, 81, 83, 98(2) અને 116(2) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કેસની આગળની કાર્યવાહી માટે આરોપીઓ અને મુદ્દામાલ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. રાવલના માર્ગદર્શન હેઠળ PSI કે.આર. પટેલ તથા LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે હાથ ધરી હતી.
કામગીરી કરનાર સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.રાવલ
પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર.પટેલ
હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ દેવસિંહ
પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રામામાભઈ
પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ મહેન્દ્ર
પેરોલ ફર્લો સ્કોડના માણસો:-
હેડ કોન્સ્ટેબલ લેબજી પરબતભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રાજુ જીણાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રાજીશ ગોપાળભાઈ

