તાપી વ્યારાના ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંદાજે 40 હજારથી વધારે રૂપિયાનો વરલી મટકાનો જુગાર ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાતમાં ગેરકાયદે રીતે ચાલતી દારૂ-જુગારની પ્રવૃતિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ મહાનિદેશક દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે સંદર્ભ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વ્યારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કાકરાપાર રોડ પર આવેલા દાદાજી ચોક પાસે, પતરાના કેબીન નીચે ખુલ્લી જગ્યામાં રેડ કરી રોકડા રૂપિયા 40,051 તથા વાહનો અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ રેડ દરમ્યાન પકડાયેલા સાત આરોપીઓ જ્યારે વોન્ટેડ પાંચ આરોપીઓ સામે વ્યારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12(અ) તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 112(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપી:-
સુમીત બાબુ રોકડે, રાજેશ બાબુ ચૌધરી, રાજકપુર ધરમવીર, આનંદ ઈશ્વર રાણા, શૈલેષ મનુ ગામીત, સલીમ હુશેન કાકર, જ્યારે મેહુલ જયંતી ગામીતની ધરપકડ કરવામાં આવી છે.

વોન્ટેડ આરોપી:-
આ બનાવમાં જીગ્નેશ રામુ ઢીમ્મર અને નાસી જનાર 04 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આ બનાવમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વ્યારા ટાઉન પોલીસ સામે કેટલાક સવાલ..?
વ્યારા ટાઉન પોલીસ ઊંઘતી રહી અથવા તો સેડિગ ડોટ કોમના કારણે દારૂ-જુગારની પ્રવૃતિઓ પર કાર્યવાહી કરતી નથી. આ બધાં વચ્ચે SMC દ્વારા રેડ પાડી કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલ ઊઠી રહ્યા છે. કારણ કે, દારૂ અને જુગારનો ખેલ તો મોટા પાયે જિલ્લામાં ચાલી જ રહ્યો છે. પરંતુ પોલીસને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોવાથી કાર્યવાહી કરવામાં રોષ નથી.

