વ્યારાના પાનવાડીમાં પ્રેમ સંબંધમાં પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. ઘટના પર નજર કરીએ તો, મૃતક જ્યોતિ ચૌધરી નામની મહિલા અને નવીન ચૌધરી વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધની ઘટના સામે આવતા સમાજ દ્વારા થોડા સમય પહેલા સમાધાન કરવામાં આવ્યું હતું. સમાધાન થયા બાદ જ્યોતિબેને નવીન ચૌધરીને પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી.
આ વાતની અદાવત રાખી નવીન ચૌધરીએ જ્યોતિબેન પર દાતરડાથી ઘાતકી હુમલો કરતા જ્યોતિ ચૌધરીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને અંજામ આપી નવીન ચૌધરી ફરાર થઈ ગયો હતો. જોકે, થોડા સમય બાદ આરોપી નવીન ચૌધરી પીપલવાડા ગામની સીમમાં આવેલી પૂર્ણા નદીમાં કૂદકો મારી આપઘાત કરી લીધો હતો. બંને મૃતકો આધેડ વયના હોવાથી સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે બનાવમાં ગુનો નોંધી સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

