તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષા મંત્રી ડો.જયરામભાઈ ગામીત, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પૂર્વ પ્રમુખ સૂરજભાઈ વસાવા સહિતના પદાધિકારીઓએ કમોસમી વરસાદથી ડાંગરના પાકના ક્ષતિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીઓએ મહિલા ખેડૂતના ખેતરની મુલાકાત લઈ પાકમાં થયેલા નુકશાન અંગેની વિગત મેળવી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને હંમેશા મદદરૂપ થવા કટીબધ્ધ છે.
આ મુલાકાત દરમિયાન મહાનુભાવોએ ટોકરવા ચૌક ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલીયા, પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ, સહિત તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓએ, ટોકરવા ગામના સભ્યઓ, આગેવાનો, ગ્રામજનો મોટી સખ્યાંમાં ઉપસ્થિત રહ્યા હતા.
કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકસાન:-
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં કમોસમી વરસાદ પડતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. કારણ કે, અંહી ખેડૂતોએ ડાંગરનો પાક કાપી લીધો હતો અને સૂકવવા માટે ખેતરમાં મૂક્યો હતો તેવા સમય જ ધોધમાર વરસાદ પડતા તમામ ડાંગરનો પાક પાણીમાં ડૂબી ગયો છે. તૈયાર થયેલો પાક ડૂબી જતા ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે.
ડાંગરનો પાક નીચે પડી જતા ખેડૂતોને હાલાકી:-
મહત્વનું છે કે, સોનગઢ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં કમોસમી વરસાદે નુકસાન પહોંચાડ્યું છે. ભારે વરસાદ અને પવનના કારણે ડાંગરનો પાક ખેતરમાં જ પડી ગયો છે. પાક પડી જતા મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ ડાંગરના પાકમાં રોગ પડી જતા તે પાક પણ ખાવા લાયક રહ્યો નથી. તેવા સમયે ખેડૂતોએ તમામ ગામડાઓમાં સર્વે કરી વહેલી તકે સહાયની માંગ કરી છે.




