ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. બોર્ડે આ પરીક્ષાના ટાઈમ ટેબલમાં કરેલી ભૂલનું આખરે ભાન થયું છે. શિક્ષણ બોર્ડે 4 માર્ચના રોજ ધુળેટી જેવા જાહેર રજાના દિવસે જે પરીક્ષાનું ટાઈમ ટેબલ ગોઠવ્યું હતું તે ભૂલ સુધારી લેવાઈ છે અને બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના જે પેપર હતા તેની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ હવે એ નવી તારીખના આધારે પરીક્ષા આપવાની રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે અંતે ભૂલ સુધારી લીધી છે. બોર્ડે અગાઉ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં લોચો માર્યો હતો અને ધુળેટીના દિવસે પરીક્ષાનું આયોજન રાખ્યું હતું. હવે ધુળેટીના દિવસે યોજાનાર પરીક્ષાની તારીખ બદલાઈ છે.
4 માર્ચના રોજ યોજાનાર પરીક્ષાની તારીખ બદલાઈ છે. ધોરણ 10માં 4 તારીખે યોજાનાર સામાજિક વિજ્ઞાન પરીક્ષા હવે 18 તારીખે લેવાશે. જ્યારે ધો 12 સામાન્ય પ્રવાહની એકાઉન્ટની પરીક્ષા 17 તારીખે યોજાશે. સામાન્ય પ્રવાહની ઇતિહાસની પરીક્ષા 18 તારીખે લેવાશે. તેમજ સામાન્ય પ્રવાહમાં જીવ વિજ્ઞાન અને કૃષિ રસાયણ અર્થશાસ્ત્રને વાણિજ્ય સંચાલન સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને પદાર્થ વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રની પરીક્ષા 18 માર્ચ લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બાયોલોજીનું પેપર 16 માર્ચના રોજ લેવાશે.
ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે જે 16 માર્ચ સુધી ચાલવાની હતી જેમાં બોર્ડ દ્વારા ધૂળેટીના દિવસે પણ ધોરણ 12 અને 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું પેપર ગોઠવી દીધું હતું. જેના કારણે વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ હતી અને વિવાદ સર્જાયો હતો. આખરે બોર્ડે ભૂલ સુધારી છે અને બોર્ડની પરીક્ષા 18 તારીખ સુધી લંબાવી છે તેમજ ચાર તારીખે ની પરીક્ષા અન્ય તારીખોમાં સેટ કરી છે. મહત્વનું છે કે વર્ષ 2023 માં પણ ચેટી ચાંદ ની રજાના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર રાખવામાં આવ્યું હતું અને તે સમયે પણ વિવાદ અને વિરોધ થયો હતો.



