તાડકુવાના વનચેતનાથી અંબેમાતાના મંદિર સુધી નાણાપંચની ગ્રાન્ટમાંથી ત્રણ લાખની ગ્રાન્ટનો ઉપયોગ કરી અંદાજે 300 મીટર જેટલો રસ્તો બનાવામાં આવ્યો છે. પરંતુ આ રોડ બનાવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાથી રોડની ગુણવત્તા સામે અનેક સવાલો સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે. કારણ કે કોન્ટ્રાક્ટરના એન્જિનિયર દ્વારા જે રસ્તો બનાવામાં આવ્યો તેમાં મોટા ભ્રષ્ટાચાર થયો હોવાનું સાફસાફ દેખાઈ રહ્યું છે. નાણાપંચની ગ્રાન્ટમાંથી જ્યારે રોડ બનાવામાં આવે ત્યારે રોડની લંબાઈ,પહોળાઈ,ઊંચાઈ રોડની યોગ્ય જાડાઈ અને રોડનું લેવલિંગને ખાસ ધ્યાનમાં લેવાનું હોય છે.
પરંતુ વનચેતનાથી અંબેમાતાના મંદિર સુધી બનાવામાં આવેલા રોડમાં આ દરેક બાબત પર કોન્ટ્રાક્ટર દ્વારા આંખ આડા કાન કરી કામગીરીમાં નકરી વેઠ ઉતારી દેવામાં આવી છે. રોડની કામગીરીમાં વેઠ ઉતારવાની ઘટના સામે આવતા સ્થાનિક લોકોએ અને ગામના જાગૃતિ નાગરિકોએ કામગીરી કરનાર અને જવાબદાર અધિકારીઓને ઘટના સ્થળે બોલાવી રોડની કામગીરી ચેક કરવા માટે જણાવ્યું હતું ત્યારે અધિકારીઓને પણ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો.
ભ્રષ્ટાચારના રોડ મુદ્દે જાગૃત નાગરિક રમેશ નાયકાનું નિવેદનઃ-
રોડની કામગીરીમાં મોટી વેઠ ઉતારી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કપચી અને પાવડર પાથરી દેવામાં આવ્યો છે. અને ડામરનો ઉપયોગ કર્યો જ ના હોય તેમ હાથથી પણ રોડ ઉખડી રહ્યો હતો. આ રોડ મુદ્દે તલાટીને રજૂઆત કરવામા આવી હતી. ત્યારે તલાટીએ કહ્યુ કે જ્યારે કપચી નાખવામાં આવી હતી ત્યારે વિઝિટ કરી હતી. પછી રોડ બની ગયો ત્યાં સુધી વિઝિટ કરી નથી.
ભ્રષ્ટાચારના રોડ મુદ્દે સમાચાર શતકની ટીમ દ્વારા મહિલા સરપંચ સાથે ટેલિફોનિક વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ મહિલા સરપંચના પતિએ ફોન ઉપાડીને કટ કરી દીધો હતો. કારણ કે રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યાં હોય પછી સમગ્ર કાંડ સામે આવી જાય તો સરપંચ ક્યાંથી ફોન પર વાત કરી શકે ?
ભ્રષ્ટાચારના રોડ મુદ્દે કોન્ટ્રાક્ટર નીતિન ગામીતનું નિવેદન:-
ભ્રષ્ટાચારના રોડ મુદ્દે સમાચાર શતકની ટીમે કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, અત્યારે ફેમિલીમા લગ્ન પ્રસંગ હોવાથી સ્થળ પર પહોંચી શક્ય નથી. જે પણ હશે જોઈ લેઈશું તેવી વાત કરી હતી.કોન્ટ્રાક્ટર દ્વારા આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવા છતાં કંઈ પણ જાતનો ફરક જ ન પડતો હોય તેમ કરી કરવામાં આવી હતી.
રોડ મુદ્દે સ્થાનિક ગામ લોકોનો વિરોધ:-
ભ્રષ્ટાચારના રોડ મુદ્દે સ્થાનિકોનો વિરોધ બાદ રોડ ફરી બનાવી આપવાની વાત કોન્ટ્રાક્ટર, તલાટી અને સરપંચ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ સવાલ એ છે કે, જો ગામ લોકો જાગૃત ન બન્યા હોત તો રોડની કામગીરીમાં વેઠ ઉતારી લાખો રૂપિયા ચાવ થઈ ગયા હોત. સવાલ એ પણ છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા બીજા પણ કામ કરવામાં આવ્યા છે. જેમાં પણ ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તે તપાસનો વિષય છે ?

