તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે તા. ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ “પલાશ પર્વ–2026”ની ભવ્ય ઉજવણી યોજાનાર છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ તથા ગુજરાત પ્રવાસન નિગમના પ્રેરણાથી અને જિલ્લા વહીવટી તંત્ર, તાપી દ્વારા આયોજિત “પલાશ પર્વ–2026 : આદિવાસી સંસ્કૃતિ સંગમ”માં આદિવાસી સમાજની પ્રાચીન વાદ્યકળા, લોકકલા અને પરંપરાગત સ્વાદિષ્ટ વાનગીઓ આકર્ષકનું કેન્દ્ર બનશે.
પ્રથમ દિવસે વિવિધ કલા મંડળો દ્વારા હોળી નૃત્ય, ડાંગી નૃત્ય, પરંપરાગત રાસ અને કેરવાનો વેશ રજૂ થશે. રાત્રિના સમયે લોકડાયરાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બીજા દિવસે અર્વાચીન ગરબા, ખેડૂત નૃત્ય, પાવરી નૃત્ય અને રાઠવા હોળી નૃત્ય રજૂ થશે. ઉપરાંત, સીદીઓનું ધમાલ નૃત્ય અને આદિવાસી શૌર્યના પ્રતીક સમાન તલવાર નૃત્યનું વિશેષ આકર્ષણ બનશે.
આ પર્વ દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવાનો હેતુ રહેલો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ઉપસ્થિત રહી આ સાંસ્કૃતિક મહોત્સવનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

