તાપીના વાલોડમાં સોમવારે વાલોડ પોલીસ અને તાપી પોલીસની કાર્યવાહીની ખૂબ વાહા..વાહા..લોકોએ કરી જેના થકી વાલોડ પોલીસ અને તાપી પોલીસની પણ છાતી ગજગજ થઈ હશે. પરંતુ મંગળવારે જ્યારે અસ્વદ હૈદર શેખ (જેમના પર સગીરાએ શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો) તે અસ્વદ હૈદર શેખ નામના શખ્સને ફસાવામાં આવ્યો હોવાનું કહી અંદાજે 70થી વધારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ લેખિતમાં વ્યારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરતા સમગ્ર મામલાનો ઉકેલ તો નથી આવ્યો પણ મામલો વધારે પેચિદો બન્યો છે. અને હવે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે ?

સોમવારે પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો..મંગળવારે સરને ફસાવ્યા હોવાનો વિદ્યાર્થીઓનો રાગ…!
તાપી જિલ્લા પોલીસ અને વાલોડ પોલીસે સગીરાનું શોષણ કરનાર શખ્સનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. વાલોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-64(2),78(2),351(3) તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાતનો અધિનિયમ 2012ની કલમ-4,8,11(4),12 મુજબનો ગુનો નોધાયો હતો. આ ગુનાનો આરોપી અસ્વદ હૈદર શેખ ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતો હતો. ટ્યુશનમાં આવતી એક સગીરાને આરોપી અસ્વદ હૈદર શેખ જાતીય અડપલા કરતો તેમજ જાતીય સત્તામણી કરતો હતો. અને જો આરોપીએ કરેલી કરતૂત સગીરા કોઈને કહેશે અથવા તો જાણ કરશે તો સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપતો તેમજ આરોપી પોતે પણ મરી જવાની ધમકી આપતો હતો તેવી ફરિયાદ સગીર વયની કિશોરી દ્વારા આપવામાં આવી હતી.

ફરિયાદ મળતા પોલીસે ટેકનિક્લ સર્વેલન્સ તથા બાતમીદારોના મદદથી આરોપીને પકડી પાડ્યો હતો. બાદમાં આરોપીનું નિવેદન અને મેડીકલ ચકાસણી કરી આરોપી અસ્વદ હૈદર શેખને ગુનાવાળી જગ્યાએ લઈ રિ-કન્શટ્રક્શન તથા પંચનામું કરવામા આવ્યું હતું. બાદમાં આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપીને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. પરંતુ હવે આ કેસમાં ટ્યુશનના અન્ય વિદ્યાર્થીઓએ અસ્વદ હૈદર શેખને ખોટી રીતે ફસાવ્યો હોવાનો રાગ આલોપી જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપવામાં આવ્યો છે.
પોલીસે રાજકીય દબાણમાં કેસ કરી જેલમાં ધકેલી દીધો:વિદ્યાર્થીઓ

70થી વધારે વિદ્યાર્થીઓએ તાપી જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી કે, અમારા સરને પોલીસે રાજકીય દબાણમાં કેસ કરીને જેલમાં ધકેલી દીધા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમારા સર દોષી હોવાનું લાગતું નથી. બીજી તરફ પોલીસની કામગીરી મુદ્દે વિદ્યાર્થીઓએ કહ્યું કે, શિક્ષક અસ્વદ એવા ક્યા રીઢા ગુનેગાર હતા કે તેમને બુહારીના ભર બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓએ વાલોડ પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું કહી આવેદન પત્ર આપ્યું છે. વિદ્યાર્થીઓએ વધુમાં કહ્યું કે અસ્વદ હૈદર શેખ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી ટ્યુશન ફી પણ લેતા ન હતા. અમારા સરના કલાસીસ વાલોડ તાલુકામાં હોય જેથી કેટલાક ટયુશન ચલાવનારા શિક્ષકોમાં અમારા સર આંખમાં કણની જેમ ખુંચી રહ્યા હોય તેમ વિદ્યાર્થીઓને લાગતું હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું છે.

