વિશ્વભરમાં દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ (International Day of the World’s Indigenous Peoples) ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વના આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવું, તેમની સંસ્કૃતિ, પરંપરા, ભાષા અને જીવનશૈલીનું જતન કરવું તેમજ તેમના વિકાસ માટે વિશ્વનું ધ્યાન દોરવાનો છે.
“આદિવાસી અસ્મિતાની ગાથા”
દર વર્ષે 9 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવાય છે. આ દિવસ માત્ર એક ઉજવણી નથી. પરંતુ હજારો વર્ષોથી પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવતા આદિવાસી સમાજના ગૌરવ, સંઘર્ષ અને અધિકારોને સન્માન આપવાનો અવસર માનવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં આદિવાસી સમુદાયો વસે છે. તેઓ પોતાની આગવી ભાષા, સંસ્કૃતિ, પરંપરા, લોકકલા અને જીવનપદ્ધતિ માટે જાણીતા છે. પ્રકૃતિને માતા સમાન માનતા આ લોકો જંગલો, નદીઓ અને પહાડોના સાચા રક્ષક ગણાય છે.તેમ છતાં ઇતિહાસના ઘણા સમયગાળામાં તેમને ભેદભાવ, ગરીબી, સ્થળાંતર અને મૂળભૂત અધિકારોથી વંચિત રહેવું પડ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 23 ડિસેમ્બર 1994ના રોજ મહત્વનો નિર્ણય લીધો
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 23 ડિસેમ્બર, 1994ના રોજ દર વર્ષે 9 ઓગસ્ટને “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવવાનો નિર્ણય લીધો. 9 ઓગસ્ટની તારીખનું મહત્વ એ છે કે 1982માં આ દિવસે સંયુક્ત રાષ્ટ્રના “Working Group on Indigenous Populations” ની પ્રથમ બેઠક યોજાઈ હતી. ત્યારથી આ દિવસ વિશ્વભરના આદિવાસી સમુદાયોના અધિકારો અને સન્માન માટે સમર્પિત બની ગયો.
ભારતમાં પણ આદિવાસી સમાજનું વિશેષ સ્થાન
ભારતમાં પણ આદિવાસી સમાજનું વિશેષ સ્થાન છે. ભારતની કુલ વસ્તીના આશરે 8–9 ટકા લોકો અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં ભીલ, ડાંગી, ગામીત, રાઠવા, ચૌધરી, કોકણા સહિત અનેક આદિવાસી સમાજની જનજાતિઓ છે. તેમની પિથોરા ચિત્રકળા, લોકનૃત્યો, લોકસંગીત અને પરંપરાગત જ્ઞાન ભારતની સાંસ્કૃતિક ધરોહર છે. આદિવાસી સમાજે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બિરસા મુંડા, ગોવિંદ ગુરુ અને અનેક વીરોએ શોષણ સામે લડત આપી હતી. તેમનો ઇતિહાસ દેશના ગૌરવનો અભિન્ન ભાગ છે.
આ દિવસની ઉજવણી દરમિયાન રેલીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્યો, સેમિનાર, પ્રદર્શનો અને જાગૃતિ અભિયાનો યોજાય છે. સરકારો અને વિવિધ સંસ્થાઓ આદિવાસી સમાજના શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સામાજિક વિકાસ માટે નવી યોજનાઓ અને પ્રયાસો પર ભાર મૂકે છે.
વિશ્વ આદિવાસી દિવસ આપણને યાદ અપાવે છે કે વિકાસ ત્યારે જ સાચો કહેવાય જ્યારે સમાજનો દરેક વર્ગને સમાન સન્માન અને તક મળે. આદિવાસી સમાજ માત્ર આપણા દેશનો નહીં પરંતુ સમગ્ર માનવજાતનો અમૂલ્ય વારસો છે. તેમની સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ આપણને પર્યાવરણ સંરક્ષણ અને સહઅસ્તિત્વનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે.
ચાલો, 9 ઓગસ્ટના આ પવિત્ર દિવસે આપણે સંકલ્પ કરીએ કે આદિવાસી સમાજના અધિકારોનું સન્માન કરી તેમની સંસ્કૃતિના સંરક્ષણમાં સહભાગી બનીશું. આ જ વિશ્વ આદિવાસી દિવસની સાચી ઉજવણી છે.

