ડાંગના સુબીરમાં ગુરુવારે પોલીસ વિભાગ અને વન-વિભાગ દ્વારા ગેરકાયદે દબાણ પર કાર્યવાહી કરી દુકાન તોડી પાડવામાં આવી છે. આ બધાં વચ્ચે મોટો સવાલ એ છે કે, ડિમોલિશનની કામગીરી દરમ્યાન માત્ર એક દુકાન તોડી પાડવામાં આવતા સ્થાનિક અને જવાબદાર તંત્ર સામે મોટા સવાલો ઉભા થયા છે. કારણ કે, સુબીર તાલુકામાં અંદાજે 20-25 દુકાનો દબાણમાં છે. પરંતુ તંત્રએ માત્ર એક દુકાનના માલિકને ટાર્ગેટ કરીને તેની દુકાન તોડી પાડતા કાર્યવાહી કરનાર તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.
દબાણ દૂર કરનારા તંત્ર સામે સવાલ:-
તંત્રએ માત્ર એક જ દુકાન કેમ દૂર કરી ?
એક જ દુકાન માલિકને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો ?
શું કોઈના કહેવાથી માત્ર એક દુકાન તોડી પાડી ?
એક દુકાન તોડી પાડનાર અધિકારીઓને બીજા દબાણ કેમ નથી દેખાતા ?
જો અન્યો દબાણો પર કાર્યવાહી થશે તો ક્યારે દૂર થશે ?
દુકાન માલિકે કહ્યું અમને જાણી જોઈએને ટાર્ગેટ કરવામાં આવ્યા:-
દબાણની કાર્યવાહી બાદ દુકાન માલિકે સ્થાનિક તંત્ર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે અમારી જોડે પક્ષપાત અને જાણી જોઈને અમને નિશાન બનાવમાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે જગ્યા પર ડિમોલિશન કરવામાં આવ્યું છે. ત્યાં અન્ય પણ દુકાનો દબાણ કરીને ઊભી કરી દેવામાં આવી છે. તેના પર વન-વિભાગ દ્વારા કે પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પણ અમારી જ દુકાન તોડી પાડવામાં આવી છે.
દુકાન તોડી પાડતા દુકાન માલિકને આર્થિક નુકસાન:-
પોલીસ તંત્ર અને વન-વિભાગ દ્વારા દુકાન તોડી પાડતા દુકાન માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે વન-વિભાગ દ્વારા દુકાનમાં રહેલો સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.
પોલીસતંત્ર અને વન-વિભાગની ભેદભાવની નીતિ સામે આવી :-
પોલીસતંત્ર અને વન-વિભાગે માત્ર એક દુકાન તોડી પાડતા અનેક સવાલો તો ઉઠી રહ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે અન્ય જે દુકાનો દબાણ કરીને ઊભી કરવામાં આવી છે. તેમના કરતા-હરતા (માલિકા) સાથે પોલીસ અને વન-વિભાગના સંબંધો સારા હોવાથી તેમની દુકાનો પર કાર્યવાહી કરવામાં આવી ન હોવાની માહિતી પણ સામે આવી છે. એટલે કે, જેની સાથે સંબંધો સારા હોય તેમની દુકાનો પર કાર્યવાહી કરવામાં નથી આવી અને જેની સાથે સંબંધો સારા ના હોય તેમની દુકાનો તોડી પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે.




