તાપી જિલ્લાના સોનગઢમાં દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્ક્વોડે બે બોલેરો પીકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹19,69,992નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રથી ગુજરાત તરફ દારૂની હેરાફેરી!
પોલીસને ખાનગી બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નવાપુર તરફથી બે સફેદ બોલેરો પીકઅપમાં વિદેશી દારૂ ભરી સોનગઢ, વ્યારા અને બારડોલી થઈ વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે સોનગઢના નવા RTO ચેકપોસ્ટ પાસે પોલીસે વોચ ગોઠવી હતી.
એક ગાડી પકડાઈ, બીજીનો પીછો કરતાં ડ્રાઇવર-ક્લીનર ફરાર!
પોલીસે MP-10-G-3679 નંબરની પીકઅપ અટકાવી તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બીજી પીકઅપ MP-46-ZE-2463ને રોકવાનો પ્રયાસ કરતાં તેનો ચાલક ગાડી લઈને ભાગ્યો હતો. પોલીસે પીછો કરતાં માંડળ ટોલનાકા પાર કર્યા બાદ ચોરવાડ પાટિયા પહેલાં ગાડી રસ્તાની બાજુમાં મૂકી ચાલક અને ક્લીનર ખેતરોમાં નાસી છૂટ્યા હતા. અંધારાનો લાભ લઈને બંને ફરાર થઈ ગયા હતા.
4,392 બોટલ દારૂ સહિત બે વાહનો કબજે!
પોલીસે કુલ 113 બોક્સમાં ભરેલી 4,392 બોટલ દારૂ, બે બોલેરો પીકઅપ અને એક મોબાઇલ ફોન કબજે કર્યા છે. જપ્ત મુદ્દામાલમાં દારૂની કિંમત ₹9,64,992 અને બંને વાહનોની કિંમત ₹10 લાખ દર્શાવવામાં આવી છે.
બે આરોપીઓ ઝડપાયા, ચાર વોન્ટેડ!
પોલીસે મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના રહેવાસી વિકાસ ભીમસિંહ મોરે (ઉંમર 22 વર્ષ) અને પવન કરણસિંહ ખેડકર (ઉંમર 21 વર્ષ)ને ઝડપી પાડ્યા છે. જ્યારે બીજી પીકઅપના ચાલક-ક્લીનર સહિત બંને વાહનોની આગળ પાયલોટિંગ કરતી GJ-05-CW-2122 નંબરની કારમાં સવાર બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરાયા છે.આ મામલે પ્રોહિબિશન કાયદાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે કેસ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
સવાલ એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મહારાષ્ટ્ર તરફથી દારૂનો આટલો મોટો જથ્થો ગુજરાતમાં કેવી રીતે ઘૂસાડવામાં આવી રહ્યો હતો? આ હેરાફેરી પાછળ કોણ છે? દારૂ કોના સુધી પહોંચાડવાનો હતો? અને આ નેટવર્કમાં હજુ કેટલા લોકો સામેલ છે?

