ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને લેતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલની અછત વર્તાઈ રહી છે જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, જો ઇંધણની અછત દૂર નહીં થાય તો, ગુજરાતમાં અંદાજે 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે. ડીઝલની અછતની સાથે સાથે મંદીના માહોલને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની આર્થિક કમર ભાંગી ગઈ છે. આ જોતાં ટ્રાન્સપોર્ટરોએ ઇંધણની અછત દૂર કરવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે.
ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આ મંદીનો સામનો કરી રહ્યો છે. આ બધાં વચ્ચે પેટ્રોલ ડીઝલની અછત સર્જાતા ટ્રાન્સપોર્ટરો માટે પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબજ ગંભીર અને કફોડી બની છે. હાઇવે પરના મોટાભાગના પેટ્રોલપંપો બંધ અવસ્થામાં છે. અથવા તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો નથી તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે. ડીઝલ માટે ટ્રકચાલકોને આમથી તેમ ભટકવું પડે છે. એટલે જો આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલની અછત રીતે સર્જાતી રહેશે.તો અંદાજે ગુજરાતમાં 12 લાખથી વધારે ટ્રકોના પૈડા થંભી જશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

