નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ખાબજી ગામે આવેલા ચૈતર ફળિયામાં સ્મશાન તરફ જતા માર્ગ પર આવેલા કોતરડા ઉપર કોઝવે બનાવવાના કામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત મંડાળા જિલ્લા પંચાયતના સદસ્ય રમીલાબેન નરોત્તમભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના કરી કામની શરૂઆત કરવામાં આવી હતી. ગામલોકોએ જણાવ્યું હતું કે વરસાદી મોસમ દરમિયાન કોતરડા ઉપર પાણી ભરાઈ જતા સ્મશાન સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓ ઊભી થતી હતી. ખાસ કરીને અંતિમવિધિ સમયે લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડતો હતો. ગ્રામજનો દ્વારા લાંબા સમયથી કોઝવે બનાવવાની માંગ ઉઠાવવામાં આવી રહી હતી.

હવે આ કામની શરૂઆત થતા સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગામલોકોએ આશા વ્યક્ત કરી હતી કે કોઝવેનું કામ વહેલી તકે પૂર્ણ થશે અને વરસાદી દિવસોમાં પણ અવરજવર સરળ બનશે. આ પ્રસંગે સ્થાનિક કાર્યકરો, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

