નર્મદા જિલ્લાના ચીકદા તાલુકાના જરગામ ગામેથી માતા અને પુત્રીના મોતની કરુણ ઘટના સામે આવી છે. જશીલાબેન નિતેશભાઈ તડવીએ પોતાની સવા વર્ષની પુત્રી આરોહી સાથે મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસ ફરિયાદ મુજબ જશીલાબેને પ્રથમ પોતાની પુત્રીને સાડી વડે ગળેફાંસો આપ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
તારીખ 7 જૂનના રોજ ઘરેથી નીકળ્યા બાદ પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. જોકે, બાદમાં માતા-પુત્રીના મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જશીલાબેને આવું પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાએ સમગ્ર પંથકને શોકમગ્ન બનાવી દીધું છે.

