નસવાડી તાલુકાના સેવાસદન ખાતે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારી યોજનાઓ તથા સેવાઓનો લાભ મેળવ્યો હતો.
સેવાસેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓ લોકોને નજીકથી અને સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન આવકનો દાખલો, જાતિનો દાખલો, રહેઠાણનો દાખલો, આધાર કાર્ડ સંબંધિત સેવાઓ, રેશનકાર્ડના કામકાજ, પેન્શન યોજનાઓ માટે અરજી તેમજ વિવિધ સરકારી સહાય યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલુકા કચેરી, ગ્રામ વિકાસ, સામાજિક ન્યાય, પુરવઠા વિભાગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ગ્રામજનોની અરજીઓ સ્વીકારી સ્થળ પર જ શક્ય તેટલી સમસ્યાઓનું નિરાકરણ કર્યું હતું. ઘણા લાભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો અને યોજનાઓના લાભોનું સ્થળ પર જ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે સેવાસેતુ કાર્યક્રમ દ્વારા સરકાર લોકો સુધી સીધી સેવા પહોંચાડવા પ્રતિબદ્ધ છે અને ગ્રામજનોને તેમના હકો તથા સરકારી યોજનાઓનો પૂરતો લાભ મળે તે માટે આવા કાર્યક્રમો સતત યોજવામાં આવી રહ્યા છે.
ગ્રામજનોમાં પણ આ કાર્યક્રમને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો અને સરકાર દ્વારા ગામડાં સુધી સેવાઓ પહોંચાડવાની આ પહેલને લોકોએ સરાહનીય ગણાવી હતી.રીપોર્ટર .ચિરાગ ગુપ્તા છોટાઉદેપુર



