નસવાડી તાલુકાના કુમેઠા ગામે ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા આવેલી છે અને જેમાં 20 જેટલાં બાળકો અભ્યાસ કરે છે અને શાળામાં એક જ શિક્ષક છે જયારે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ આદિવાસી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ના આવતા હોવાની ફરિયાદ જિલ્લા પંચાયત સભ્યને મળતા કુકરદા જિલ્લા પંચાયત સભ્યના પતિ રસિકભાઈ ડૂભીલ તેમજ ગ્રામજનો બુધવારના રોજ કુમેંઠા પ્રાથમિક શાળામાં રાહ જોઈને બપોરના 12 વાગ્યાં સુધી શાળાએ બેસી રહેતા 12 વાગે શાળાએ શિક્ષક આવતા શિક્ષકે વરસાદનુ બહાનું કાઢ્યું હતું જયારે ગ્રામજનો શિક્ષકને હરરોજ તમે મોડા આવો છે અને બપોરે જતા રહો છો અમારા બાળકોને કોણ ભણાવશે તેવા સવાલો કર્યા હતા.
આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં આવી રીતના શિક્ષકો ગુલ્લાં મારે છે પરંતુ તાલુકા મથકે બેઠલા અધિકારીઓ ધ્યાન આપતાં નથી જેને લઇ ચુટાયેલા સભ્યો આદિવાસી વિસ્તારમાં શિક્ષણનુ સ્તર સુધારવા માટે મેદાને પડતા હવે આગામી દિવસોમાં રાજકારણ ગરમાશે જયારે છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણના સ્તર ઉપર અનેક વાર સવાલો ઉઠ્યા છે પરંતુ અધિકારીઓ શિક્ષકોને જવાબો લઇ બચાવી લેતા કોઈ કડક પગલાં ના ભરાતા આવા કિસ્સો અનેક વાર સામે આવી રહ્યા છે જેને લઇ તાલુકામાં બેઠેલા અધિકારી શિક્ષકોને છાવરવાની જગ્યાએ કડક વલણ અપનાવે અને આદિવાસી ગરીબ બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બનાવવા સારુ શિક્ષણ મળે તેવા પ્રયત્નો હાથ ધરે તે જરૂરી બન્યું છે

