સોનગઢ તાલુકાના આમથવા ગામે સરપંચ અર્જુનભાઈ ગામીતના સતત પ્રયત્નોથી નવી બસ સેવા શરૂ કરવામાં આવી..લાંબા સમયથી ગામલોકોની આવાગમનની સમસ્યા દૂર કરવા માટે કરવામાં આવેલા પ્રયત્નો હવે સફળ રહ્યા છે. બસ સેવાની શરૂઆત આદિવાસી પરંપરા મુજબ પૂજાવિધિ કરીને કરવામાં આવી હતી. ગામના વડીલો અને આગેવાનો દ્વારા શુભ મુહૂર્તમાં પૂજા કરી બસ સેવાનું પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે સરપંચએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) તથા રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ સેવા શરૂ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગામના વિકાસ માટે સતત સહકાર આપવા આશા વ્યક્ત કરી હતી.
સોનગઢથી બસ કેટલા વાગે ઉપડશે ?
બસ સોનગઢથી સવારે 06:45 વાગ્યે અને સાંજે 04:30 વાગ્યે ઉપડશે, જેનાથી ગામના લોકો માટે રોજિંદા આવાગમન વધુ સરળ બનશે. આ સેવા ખાસ કરીને વિદ્યાર્થીઓ, કામદારો અને આરોગ્ય સેવાઓ માટે જતા લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
સરપંચની કામગીરી ગામ લોકોએ બિરદાવી:-
આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ ગામીત, સભ્ય રાજેશભાઈ ગામીત, અલ્પેશભાઈ ગામીત (ધનમૌલી), ધાર્મિક આગેવાનો સંજયભાઈ ગામીત, જીતુભાઈ ગામીત (ધનમૌલી), રૂપસિંગભાઈ ગામીત, ડેરી મંત્રી દિનેશભાઈ ગામીત તેમજ સામાજિક આગેવાનો પ્રભુભાઈ ગામીત, રઘુભાઈ ગામીત અને રંગજીભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. ગામજનો દ્વારા આ પહેલનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને સરપંચના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી આ પ્રસંગને આનંદપૂર્વક ઉજવ્યો હતો.

