તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામે નજીવી બાબતે થયેલી તકરારે હત્યાનું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. મોટરના વાયર કાપી નાખવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે થયેલી તકરાર બાદ 37 વર્ષીય હસમુખ ચૌહાણની કોદાળીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની અને 37 વર્ષીય હસમુખ ચૌહાણનો મોટરના વાયર બાબતે પાડોશી અરવિંદ ચૌધરી સાથે વિવાદ થયો હતો. મોટરના વાયર કાપી નાખવા અંગે બંને વચ્ચે બોલાચાલી અને તકરાર થઈ હતી. આ મામલે થયેલી અદાવત બાદ મામલો ઉગ્ર બન્યો હતો.
આ દરમિયાન અરવિંદ ચૌધરીએ હસમુખ ચૌહાણ પર કોદાળી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. કોદાળીના ઘા વાગતાં હસમુખ ચૌહાણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત હસમુખને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે, ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
બીજી તરફ, હુમલા દરમિયાન હત્યા કરનાર અરવિંદ ચૌધરીને પણ ધારદાર પદાર્થ વાગી જતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ કપુરા ગામે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે અરવિંદ ચૌધરી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા હત્યા પાછળના સમગ્ર કારણો, બંને વચ્ચે અગાઉથી કોઈ અદાવત હતી કે કેમ તેમજ ઘટનાક્રમ અંગે તપાસ કરવામાં આવી રહી છે.નજીવી બાબતે શરૂ થયેલો પાડોશીઓ વચ્ચેનો વિવાદ અંતે હત્યા સુધી પહોંચતા કપુરા ગામમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા ઘટનાના સાક્ષીઓ તથા અન્ય લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

