ગુજરાતમાં ચોમાસાની સિઝનના 85 દિવસ પૂર્ણ થઈ ગયા છે, તેમ છતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની અછત યથાવત છે. રાજ્યના આશરે 70 ટકા વિસ્તારમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાતા હવે જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. વરસાદની ખેંચને કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, સમગ્ર ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સરેરાશ 35.9 ઈંચ વરસાદની જરૂરિયાત સામે અત્યાર સુધીમાં માત્ર 26.89 ઈંચ વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં જરૂરીયાતની સરખામણીએ વરસાદમાં નોંધપાત્ર ખાધ જોવા મળી રહી છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં વરસાદની સૌથી વધુ અછત નોંધાઈ છે. વરસાદના અભાવે જળાશયો, તળાવો અને ભૂગર્ભ જળસ્તર પર પણ તેની અસર થવાની ભીતિ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
વરસાદની ખેંચની સીધી અસર ખરીફ પાક પર થવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં મગફળી અને કપાસના પાકને નુકસાનીની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વરસાદ સમયસર નહીં મળવાથી પાકનો વિકાસ અટકી શકે છે અને ઉત્પાદન પર પણ અસર પડી શકે છે.
હવે ખેડૂતો અને સરકારની નજર આગામી વરસાદી સિસ્ટમ પર છે. રાજ્યમાં આગામી દિવસોમાં નોંધપાત્ર વરસાદ થાય તો સ્થિતિમાં સુધારો થઈ શકે છે, પરંતુ વરસાદની વધુ ખેંચ સર્જાય તો પાણી અને ખેતી બંને ક્ષેત્રે મુશ્કેલી વધવાની શક્યતા છે.

