દર વર્ષે ૯ ઓગસ્ટે યોજાતા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સરકારી ઉજવણીને લઈને આ વર્ષે ગુજરાત સરકાર અને વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આદિવાસી બહુલ વિસ્તારોમાં અગાઉ જિલ્લા અને તાલુકા કક્ષાએ સરકારી તંત્ર દ્વારા ભવ્ય કાર્યક્રમો યોજાતા હતા. અધિકારીઓથી લઈને રાજકીય આગેવાનોની હાજરી, બેનરો, પ્રચાર-પ્રસાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ સરકારી તંત્ર દ્વારા ખર્ચ પણ કરવામાં આવતો હતો. પરંતુ આ વર્ષે એકાએક સરકારી સ્તરે આવા કાર્યક્રમો બંધ કરી દેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ નિર્ણય પાછળનું કોઈ સ્પષ્ટ કારણ પણ જાહેર કરવામાં આવ્યું નથી. પરિણામે આદિવાસી સમાજમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો છે.
ચાર વર્ષથી ઉજવણી થતી હતી.. હવે અચાનક રોક કેમ?
છેલ્લા ચાર વર્ષથી વિવિધ આદિવાસી વિસ્તારોમાં સરકારના માર્ગદર્શન હેઠળ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હતી. તો પછી આ વર્ષે અચાનક સરકારી કાર્યક્રમો પર બ્રેક કેમ લગાવવામાં આવી? શું સરકાર પાસે આદિવાસી દિવસની ઉજવણી માટે સમય કે બજેટ નથી? કે પછી આ નિર્ણય પાછળ કોઈ અન્ય કારણ છે? જ્યારે અન્ય સરકારી ઉત્સવો અને વિવિધ કાર્યક્રમો માટે મોટા પાયે સરકારી નાણાં ખર્ચવામાં આવે છે, ત્યારે આદિવાસી સમાજના મહત્વના દિવસની ઉજવણીને લઈને સરકારનું આ અચાનક મૌન અનેક તર્ક-વિતર્કને જન્મ આપે છે. જો નિર્ણય નીતિગત છે તો તેની સત્તાવાર જાહેરાત કેમ કરવામાં આવી નથી? અને જો કોઈ વહીવટી કારણ છે તો તે જાહેર કરવામાં અચકાટ શા માટે?
આદિવાસી નેતાઓનું મૌન પણ હવે ચર્ચાનો વિષય
ગુજરાતના અનેક જિલ્લાઓમાં આદિવાસી સમાજની નોંધપાત્ર વસ્તી છે. આ વિસ્તારોમાંથી આદિવાસી સમાજના સાંસદો, ધારાસભ્યો તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે છે. તેમ છતાં, પોતાના જ સમાજ સાથે જોડાયેલા આ મહત્વના દિવસની સરકારી ઉજવણી બંધ કરવામાં આવી હોવા છતાં રાજકીય નેતાઓનું મૌન હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આદિવાસી સમાજ અને સ્થાનિક નાગરિકોનો સીધો સવાલ છે કે સરકારી ઉજવણી કેમ બંધ કરવામાં આવી? નિર્ણય કોણે લીધો? અને તેનું કારણ શું છે? હવે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ મૌન તોડીને આ અંગે તાત્કાલિક સત્તાવાર સ્પષ્ટતા કરવી જોઈએ. અન્યથા, આ નિર્ણય આદિવાસી સમાજની અવગણના તરીકે જોવામાં આવશે અને તેના કારણે ઊભો થયેલો અસંતોષ વધુ ઉગ્ર બનવાની શક્યતા નકારી શકાય નહીં.
રાજ્ય સરકાર સામે ઉઠી રહેલા કેટલાક સવાલો…?
ચાર વર્ષથી ધામધૂમથી ઉજવણી આ વર્ષે સરકારનું મૌન
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કેમ બંધ કરવામાં આવી?
આદિવાસી દિવસની ઉજવણીથી સરકાર કેમ પાછી હટી?
આદિવાસી નેતાઓના મૌન સામે પણ આદિવાસી સમાજમાં રોષ
સરકારી ઉત્સવો માટે કરોડો, તો આદિવાસી દિવસની ઉજવણીમાં કાપ કેમ?
વિશ્વ આદિવાસી દિવસની સરકારી ઉજવણી બંધ કરતા સરકારની નીતિ સામે ઉઠ્યા સવાલો

